(G.N.S) Dt. 6
આણંદ,
વિદ્યાર્થી શક્તિ અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે કાર્યરત વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન ‘અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ’ (ABVP) ગુજરાત પ્રદેશના ૫૭ માં પ્રદેશ અધિવેશનનો નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરાવ્યો હતો.
આણંદના ત્રિભુવનદાસ પટેલ નગર ખાતે યોજાયેલા આ ત્રિ-દિવસીય અધિવેશનના ઉદ્દઘાટન સમારોહમાં આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહિડા સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિત રહયાં હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં આણંદની પાવન ધરતી અને સરદાર પટેલની ખુમારી તેમજ શ્વેત ક્રાંતિના પ્રતીક સમાન આ ભૂમિના મહત્ત્વને રેખાંકિત કર્યું હતું તેમજ તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રહિતમાં કાર્ય કરવાની વિચારધારાને આજીવન અપનાવી દેશહિતમાં કાર્ય કરતા રહેવા જણાવ્યું હતું
નાયબ મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને માત્ર સપના જોવાને બદલે તેને સાકાર કરવા માટે અથાક મહેનત કરવાની શીખ આપી હતી. તેમણે જણાવ્યું કે આઝાદી પૂર્વે અને પછી અનેક દેશભક્તોએ પોતાનું જીવન રાષ્ટ્ર માટે ખપાવી દીધું છે, ત્યારે આજનો યુવા પણ રાષ્ટ્રભક્તિમાં પોતાનો સમય આપે તે જરૂરી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત’ના સંકલ્પનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે હવે વિદ્યાર્થી કાર્યકર્તાઓએ માત્ર કેમ્પસની સમસ્યાઓ પૂરતું સીમિત ન રહેતા પર્યાવરણ સુરક્ષા, જળસંચય, સામાજિક સમરસતા અને ઇનોવેશન (સ્ટાર્ટઅપ) જેવા રચનાત્મક કાર્યોમાં જોડાવું જોઈએ.
તેમણે કલમ ૩૭૦ ની નાબૂદી, રામ મંદિરનું નિર્માણ, ટ્રિપલ તલાકની નાબૂદી અને CAA જેવા ઐતિહાસિક નિર્ણયોને યાદ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્તમાન નેતૃત્વની દ્રઢ ઈચ્છાશક્તિ વિશે જણાવી કાશ્મીરના લાલ ચોક પર લહેરાતા તિરંગાને દેશવાસીઓ માટે ગૌરવનું પ્રતીક ગણાવ્યું હતું.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે કે. પી. ગ્રુપના સંસ્થાપક ડૉ. ફારૂકભાઈ પટેલે યુવા ઉદ્યોગસાહસિકતા અને શૈક્ષણિક મૂલ્યો પર ભાર મૂક્યો હતો. તેમણે આ સંમેલન એ માત્ર મેળાવડો નહીં પણ ‘વૈચારિક કુટુંબ’ નો સંગમ છે. રાણી અબ્બક્કા દેવી, ભગવાન બિરસામુંડા અને સરદાર પટેલ જેવા મહાપુરુષોની સ્મૃતિના અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત યુવાઓને તેમણે ભારતનું ભાગ્ય ગણાવ્યા હતા.
તેમણે આજનો વિદ્યાર્થી માત્ર ડિગ્રી અને પેકેજના ચક્રવ્યૂહમાં ફસાઈને ‘પરીક્ષાલક્ષી’ બની ગયો છે, તેમ કહી તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્ઞાન, ચારિત્ર્ય અને એકતા વગર ડિગ્રી માત્ર કાગળનો ટુકડો છે. શહીદ ભગતસિંહનું ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે ૨૨-૨૩ વર્ષની ઉંમરે ભગતસિંહે અંગત સુખનો ત્યાગ કરી રાષ્ટ્ર આઝાદીનું લક્ષ્ય સેવ્યું હતું, જ્યારે આજનો યુવાન સોશિયલ મીડિયાના વ્યુઝ અને પ્રસિદ્ધિમાં ખોવાઈ રહ્યો છે. તેમણે યુવાનોને સંસ્કાર અને વિનમ્રતા કેળવી ‘રાષ્ટ્ર પ્રથમ’ ના સંકલ્પ સાથે સામાજિક જવાબદારી ઉપાડવા આહવાન કર્યું હતું. અંતમાં, તેમણે ગુજરાતની છાત્રશક્તિને અખંડ ભારતના પાયા સમાન ગણાવી રાષ્ટ્ર નિર્માણમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતું.
આ તકે ABVP ના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી શ્રી એસ. બાલકૃષ્ણએ વિદ્યાર્થી પરિષદની વિચારધારા અને આગામી વર્ષના લક્ષ્યો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તેમણે ભારપૂર્વક કહ્યું કે ભલે આપણી ભાષા કે વેશભૂષા અલગ હોય, પરંતુ ‘એક દેશ’ની ભાવના સાથે આપણા સૌની હૃદયની ભાષા એક જ છે. આ અધિવેશનમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરતા તેમણે ગુજરાતની પવિત્ર ભૂમિ, સરદાર વલ્લભભાઈ પટેલ અને અમૂલના સફળ મોડેલને નમન કર્યા હતા. તેમણે ભૂતકાળમાં ગુજરાતમાં યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમોને યાદ કરતા જણાવ્યું કે, કર્ણાવતીના રાષ્ટ્રીય અધિવેશનમાં ‘ઝીરો ફૂડ વેસ્ટેજ’ અને સુરતની બેઠકમાં ‘ઈકો-ફ્રેન્ડલી કેમ્પસ’ જેવા નવતર પ્રયોગો કરીને ગુજરાત પ્રાંતે સમગ્ર દેશના કાર્યકર્તાઓને એક નવી દિશા અને પ્રેરણા પૂરી પાડી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણભાઈ ભૂતળિયાએ આણંદને શૌર્ય, સહકાર અને શિક્ષણની પવિત્ર ભૂમિ ગણાવતા સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ પટેલ અને ક્રાંતિવીર ગરબડદાસ મુખી જેવા દેશભક્તોને યાદ કર્યા હતા. તેમણે શ્વેત ક્રાંતિના પ્રણેતા ત્રિભુવનદાસ પટેલ અને અમૂલ દ્વારા મહિલા સશક્તિકરણના ક્ષેત્રે થયેલા ભગીરથ કાર્યનો ઉલ્લેખ કર્યો હતો. વર્તમાન વર્ષના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે, આ વર્ષ સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતી, રાણી અબક્કા દેવીનું ૫૦૦ મું વર્ષ અને ગુરુ તેગ બહાદુરજીની ૩૫૦ મી પુણ્યતિથિ જેવા અનેક ઐતિહાસિક પર્વોનો સંગમ છે.
તેમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ની વિકાસયાત્રાની પ્રશંસા કરતા કહ્યું કે, પાંચ સભ્યોથી શરૂ થયેલું આ સંગઠન આજે ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ સભ્યો સાથે વટવૃક્ષ બન્યું છે. વિદ્યાર્થી પરિષદ માત્ર સમસ્યાઓ જ નહીં પરંતુ ઉકેલ આપવામાં માને છે અને ‘વિદ્યાર્થી એ આવતીકાલનો નહીં પણ આજનો નાગરિક છે’ તેવા ધ્યેય સાથે રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરી રહ્યું છે તેમ જણાવ્યું હતું.
આ તકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી સંજયસિંહ મહિડાના આગમન સમયે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી એ તેમને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા.
આ તકે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, વડોદરાના સાંસદ શ્રી હેમાંગ જોશી, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, શ્રી ચિરાગભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, આણંદ જિલ્લા અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, નિરવ અમીન, પ્રદેશમંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કુ.મેઘાબેન વાઘેલા, સ્વાગત સમિતિના અધ્યક્ષ મેહુલભાઈ પટેલ, સ્વાગત સમિતિના મંત્રી પિંકલભાઈ, નગર અધ્યક્ષ ડૉ. જેતલભાઈ, નગર મંત્રી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સર્વશ્રી, ક્ષેત્રીય સંગઠન મંત્રી તથા રાષ્ટ્રીય મંત્રી ઉપરાંત સ્થાયી કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


