નિર્ણય પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી. કોર્પોરેટરો મળતી ગ્રાન્ટમાંથી ખરીદી કરી મળતિયાઓને લ્હાણી કરતાં હોવાનો પણ આક્ષેપ. ગાંધીનગર મહાનગર પાલિકાની તાજેતરમાં મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધીનગર શહેરના નાગરિકો પાસેથી મિલકત ટ્રાન્સફર ફી વસુલ કરવા માટે તધલખી નિણૅય લેવામાં આવેલો છે. જેના પગલે ગાંધીનગર શહેરના નાગરિકોમાં સખ્ત વિરોધની સાથે આક્રોશ વ્યાપ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરને શહેર વસાહત મહાસંઘ દ્વારા રજૂઆત પણ કરાઈ છે. સંસ્થાના પ્રમુખ કેસરીસિંહ બીહોલાએ જણાવ્યું હતું કે, મિલકત ટ્રાન્સફર વંશ પરંપરાગત થતી હોય છે, વેચાણ થતી નથી. જ્યારે મિલકત વેચાણથી ટ્રાન્સફર થાય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડયૂટી વસુલ કરવામાં આવે છે તેમજ મિલકત વેરો પણ લેવામાં આવે છે. આ રીતે ડબલ ટેક્સ ચલાવી ન લેવાય. જેનો ગાંધીનગર શહેરના નાગરિકો સખ્ત વિરોધ કરી રહ્યા છે. જે પુનઃ વિચારણા કરી પાછો ખેંચવા શહેરના નાગરિકોની માંગણી છે.