



બ્રિટને ભારતીય મૂળના ઋષિ સુનકને મોટી આશાઓ સાથે વડાપ્રધાનની ગાદી પર બેસાડ્યા હતા. પરંતુ સત્તા સંભાળ્યાના ઘણા મહિનાઓ પછી પણ સુનકના પ્રયાસો ફળીભૂત થતા દેખાઈ રહ્યા નથી. બ્રિટનમાં મોંઘવારી બેકાબૂ બની ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ બ્રિટનમાં ચાર મહિનામાં પ્રથમ વખત ફેબ્રુઆરીમાં ફુગાવાનો દર વધી ગયો છે. વિશ્લેષકો પણ આ બેફામ મોંઘવારીથી આશ્ચર્યચકિત છે. સતત ખરાબ થતી સ્થિતિ વચ્ચે ગુરુવારે મળનારી સેન્ટ્રલ બેંકની બેઠકમાં વ્યાજદરમાં વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે.
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસે બુધવારે અહેવાલ આપ્યો કે ફેબ્રુઆરીમાં ગ્રાહક ભાવ સૂચકાંક વધીને 10.4 ટકા પર પહોંચી ગયો જે અગાઉના મહિનામાં 10.1 ટકા હતો. ફુગાવો બેન્ક ઓફ ઈંગ્લેન્ડના 2 ટકાના લક્ષ્યાંક કરતાં પાંચ ગણો વધારે છે. જોકે, અર્થશાસ્ત્રીઓનું અનુમાન છે કે આ વર્ષના અંત સુધીમાં ભાવમાં તીવ્ર ઘટાડો થશે.
બેંક ડિસેમ્બર 2021 થી સળંગ દસ વખત દરોમાં વધારો કરી ચુકી છે, જે હવે ચાર ટકા પર પહોંચી ગયા છે. આના કારણે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ પર વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ પણ વધી ગયું છે. ગુરુવારે મળનારી બેઠકમાં બેંક આ અંગે કોઈ નિર્ણય લેવાઈ શકે છે.
ખાલી થઈ રહ્યા છે સુપર માર્કેટ
ગયા મહિને બ્રિટનમાંથી ઘણી ચોંકાવનારી તસવીરો સામે આવી હતી. યૂક્રેન યુદ્ધ અને બ્રેક્ઝિટે બ્રિટનના અર્થતંત્રને હચમચાવી નાખ્યું છે. બ્રિટનમાં માલસામાનની આવકમાં તીવ્ર ઘટાડો થયો છે. જેના કારણે આવશ્યક ચીજવસ્તુઓની અછત સર્જાઈ ગઈ છે. ત્યાં, સુપર સ્ટોર્સ પર ફળો અને શાકભાજીના ખાલી કાઉન્ટરો જોવા મળી રહ્યા છે.