ગાંધીનગરના સેક્ટર-27માં વૃદ્ધ દંપતીએ ગઠિયાની વાતોમાં આવી તાંબાના લોટા ધોવા આપ્યા હતા. વૃદ્ધ દંપતીનો વિશ્વાસ જીતવા ગઠિયાઓએ પહેલા લોટા ધોઈ આપ્યા અને પછી વૃદ્ધ દંપતી પાસે સોનાની બંગડીઓ પણ ચકચકિત કરવા માટે માગતા દંપતીએ બંગડીઓ આપી હતી. દરમિયાન ગઠિયાઓ બાઉલમાં બંગળીઓ લઈ તેના પર લિક્વિડ નાખી બે લાખની કિંમતનું સોનું કાઢી ફરાર થયા હતા. આ મામલે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર-27માં આવેલી એકતા સોસાયટીમાં 72 વર્ષીય રણજીતસિંહ ચાવડા અને તેમના પત્ની ગીતાબા રહે છે. દરમિયાન બે અજાણ્યા શખ્સ તેમના ઘરે આવ્યા હતા અને વાસણ ધોવાનું લિક્વિડ વોચવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. ગીતાબાએ પહેલા તેમને લિક્વિડ લેવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ, ગઠિયાઓએ તેમને ડેમો દેખાડવાનું કહી તાંબાનો જૂનો લોટો માગ્યો હતો. આથી રણજીતસિંહે તેમને લોટો આપ્યો હતો. ગઠિયાઓએ લિક્વિડથી લોટો ધોઈ ચકચકિત કરી આપ્યો હતો. ત્યાર બાદ ગઠિયાઓએ ગીતાબા પાસે હાથમાં પહેરેલી સોનાની બંગળીઓ ચમકાવી આપવાનું કહ્યું હતું.
પીળો પાઉડર બંગડીઓ પર લગાવી જતા રહ્યા
વિશ્વાસ બેસી જતા ગીતાબાએ પોતાની સોનાની ચાર બંગડીઓ તેમને આપી હતી. ગઠિયાએ એક બાઉલમાં બંગડીઓ મૂકી તેના ઉપર લિક્વિડ નાખી 10 મિનિટ સુધી ઘસી હતી. ત્યાર બાદ એક પાઉચમાંથી પીળો પાઉડર કાઢીને બંગડીઓ પર લગાવી તેને 10 મિનિટ બાદ લુખી નાખજો તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. 10 મિનિટ બાદ જ્યારે બંગડીઓ એકદમ હલકી લાગી તો પોતાની સાથે છેંતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. આ મામલે દંપતીએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.