વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના મધ્ય સુધીમાં આવેલા જાહેર ભરણાં (IPO)માં દેશના મ્યુચ્યુઅલ ફન્ડોએ કુલ રૂ. ૨૨,૭૫૦ કરોડનું રોકાણ કર્યું છે. આ રકમ અત્યારસુધીના રૂ. ૧.૨૨ લાખ કરોડના કુલ જાહેર ભરણાંના આશરે ૨૦% જેટલી છે, જે પ્રાઈમરી માર્કેટમાં ફન્ડ હાઉસોની વધતી સક્રિયતાનો સંકેત આપે છે. ફન્ડ હાઉસોના કુલ રોકાણમાંથી રૂ. ૧૫,૧૫૮ કરોડનું રોકાણ એન્કર ઈન્વેસ્ટમેન્ટ મારફત કરવામાં આવ્યું છે, જ્યારે રૂ. ૭,૫૯૦ કરોડનું રોકાણ ક્વાલીફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર (QIB) સેગમેન્ટમાં થયું છે. વર્તમાન વર્ષ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત રોકાણમાં પણ જોરદાર વધારો નોંધાયો છે.
સરેરાશ મહિને રૂ. ૨૦,૦૦૦ કરોડનો પ્રવાહ ફન્ડોમાં જોવા મળી રહ્યો છે, જેના કારણે એકંદર લિક્વિડિટી મજબૂત બની છે. આ જંગી લિક્વિડિટીને કારણે ફન્ડ હાઉસોને સેકન્ડરી બજાર સાથે સાથે પ્રાઈમરી માર્કેટમાં પણ નાણાં ઠાલવવાનો વિકલ્પ મળી રહ્યો છે. મ્યુચ્યુઅલ ફન્ડોની સક્રિય ભાગીદારીથી દેશમાં પ્રાઈમરી માર્કેટને નવો ઉત્સાહ મળ્યો છે. અગાઉ જાહેર ભરણાંની સફળતા મોટા ભાગે વિદેશી સંસ્થાકીય રોકાણકારો પર નિર્ભર રહેતી હતી, પરંતુ તાજેતરમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ બજારને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્તમાન નાણાં વર્ષના બાકીના મહિનાઓમાં અનેક નવી કંપનીઓ જાહેર ભરણાં લાવવાની તૈયારીમાં છે, જેના કારણે પ્રાઈમરી માર્કેટ મારફત ફન્ડ હાઉસોના રોકાણમાં વધુ વૃદ્ધિ થવાની સંભાવના છે.


