પ્રથમ ત્રિમાસિકમાં ૭.૮% વૃદ્ધિ નોંધાયા છતાં, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ તાજેતરના અહેવાલમાં જણાવ્યું છે કે ભારતનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૬.૫%ના દરે વધવાની શક્યતા છે. અગાઉ ૭% વૃદ્ધિનો અંદાજ હતો, પરંતુ યુએસ દ્વારા ભારતીય નિકાસ પર લાગુ કરાયેલા ૫૦% ટેરિફને કારણે આ અનુમાન ઘટાડવામાં આવ્યું છે. ADBએ જણાવ્યું કે નિકાસમાં આવનારો ઘટાડો નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ બંને વર્ષોમાં GDP વૃદ્ધિને અસર કરશે.
ખાસ કરીને ચોખ્ખી નિકાસ અપેક્ષા કરતા ઓછી રહેશે. તે ઉપરાંત, તાજેતરમાં જ જાહેર કરાયેલા જીએસટી કાપને કારણે કર આવક ઘટશે અને ખર્ચનું સ્તર જળવાયું રહેતા રાજકોષીય ખાધ બજેટમાં દર્શાવાયેલા ૪.૪% કરતાં વધારે રહેવાની સંભાવના છે. જોકે, આ ખાધ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં નોંધાયેલા ૪.૭% કરતાં ઓછી રહેશે. ચાલુ ખાતાની ખાધ પણ થોડી વધતી જોવા મળશે – નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૦.૬%થી વધીને આ વર્ષે ૦.૯% અને નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ સુધી ૧.૧% સુધી પહોંચવાની શક્યતા છે.