ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચેનો વેપાર કરાર આખરે ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. લગભગ દોઢ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયાગત વિલંબ બાદ આ કરાર અમલમાં આવી રહ્યો છે. ભારત અને EFTA દેશો વચ્ચે ૧૦ માર્ચ, ૨૦૨૪ના રોજ આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. EFTA બ્લોકમાં આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે અને લિક્ટેંસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરારને “વેપાર અને આર્થિક ભાગીદારી કરાર” નામ આપવામાં આવ્યું છે, જે ભારતના કોઈપણ યુરોપિયન દેશ અથવા બ્લોક સાથેનો પ્રથમ અમલમાં મુકાયેલો વેપાર કરાર છે.
આ કરાર હેઠળ ભારતે EFTA દેશોના લગભગ ૮૦થી ૮૫% માલ પર ટેરિફ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. બદલામાં, ભારતને આ દેશોમાંથી ૯૯% માલ પર ડયુટી-મુક્ત બજાર પ્રવેશ મળશે. જોકે, ખેડૂતોના હિતોને સુરક્ષિત રાખવા માટે કૃષિ અને ડેરી ઉત્પાદનોને ટેરિફ રાહતોમાંથી બહાર રાખવામાં આવ્યા છે. ભારત માટે આ કરારનો સૌથી મોટો લાભ રોકાણના રૂપમાં મળશે. કરાર અમલમાં આવ્યાના ૧૦ વર્ષમાં EFTA દેશો ભારતમાં આશરે ૫૦ અબજ ડોલરનું રોકાણ કરશે એવી અપેક્ષા છે.
આ રોકાણથી આવતા ૧૫ વર્ષમાં ભારતમાં આશરે ૧૦ લાખ સીધી નોકરીઓ સર્જાશે. વિશેષજ્ઞોના મતે, આ કરાર ભારતના નિકાસ, રોકાણ અને રોજગાર ક્ષેત્ર માટે નવી તકો ખોલશે અને યુરોપિયન બજારો સાથે ભારતના આર્થિક એકીકરણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.