મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા આજે પ્રસ્તુત કરવામાં આવેલ નાણાકીય વર્ષ 2025-26ના કેન્દ્રીય બજેટને ‘વિકસિત ભારત @ 2047’ સંકલ્પો પાર પાડવામાં નવી ચેતના આપનારું બજેટ ગણાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિ (GYAN) આધારિત વિકાસને વધુ ગતિ આપવા આ બજેટમાં ચાર પાવર એન્જિન – કૃષિ, MSME, ઈન્વેસ્ટમેન્ટ અને એક્સ્પોર્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હોવાનું જણાવી, ભારતને ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનાવવાના નિર્ધાર સાથે ‘આત્મનિર્ભર ભારત’નો મંત્ર સાકાર કરનારું #ViksitBharatBudget2025 રજૂ કરવા બદલ માનનીય વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય બજેટમાં દેશના કરોડો નોકરિયાત અને મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપીને વાર્ષિક ₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ન આવે તે માટેની જાહેરાત બદલ માનનીય વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય નાણામંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષમાં ₹12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ન લગાવીને કેન્દ્ર સરકાર દ્વારા પોતાની ₹1 લાખ કરોડની આવક નોકરિયાત વર્ગ અને મધ્યમવર્ગીય લોકોને સમર્પિત કરવાનો નિર્ણય સામાન્ય નાગરિક માટે બહુ મોટી ભેટ છે.