મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્યમાં તાજેતરમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓના કમિશ્નરશ્રીઓ, વહીવટદાર કલેકટરશ્રીઓ તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગર ખાતે એક દિવસીય કાર્યશાળા યોજાઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ ‘વિકસિત ભારત @ 2047’ના સંકલ્પને સાકાર કરવા સુદ્રઢ શહેરી વિકાસ આયોજનથી વિકસિત ગુજરાત બનાવવા રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે ત્યારે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે હિમાયત કરી હતી.