વડાપ્રધાન કાર્યાલયના અધિકારીના નામે સરકારી સુવિધાઓનો લાભ લેનાર અને કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મહાઠગ કિરણ પટેલનો મુદ્દો ગુજરાતની સંસદમાં પણ ગૂંજ્યો છે. આ કેસમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે કિરણ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ થઈ હોવાની માહિતી મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, કિરણ પટેલે બંગલાના રિનોવેશન માટે રૂ. 35 લાખ લઈને બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પૂર્વ કેબિનેટ મંત્રીના ભાઈએ નોંધાવી ફરિયાદ
મીડિયા અહેવાલ મુજબ, મહાઠગ કિરણ પટેલ સામે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના ભાઇ જગદીશ ચાવડાએ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મુજબ, કિરણ પટેલ તેમની પાસે ઇન્ટિરિયર ડિઝાઇનર બનીને આવ્યો હતો અને જગદીશભાઈને પોતાના બંગલામાં રિનોવેશન કરાવવાનું હોવાથી તેને કામ સોંપ્યું હતું. મકાનના રિનોવેશન અને ઈન્ટિરિયર ડિઝાઈનર માટે કિરણ પટેલ અને તેની પત્નીએ જગદીશભાઈ પાસેથી રૂ.35 લાખ લીધા હતા. પરંતુ, રિનોવેશનનું કામ મોટા ભાગનું પૂર્ણ થતા કિરણ પટેલે જગદીશ ચાવડાના બંગલામાં હવન પૂજા કરાવી અને બંગલાની બહાર પોતાના નામનું બોર્ડ પણ લગાવી દીધું હતું.
બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો કર્યો
આ સાથે કિરણ પટેલે બંગલા માટે કોર્ટમાં ખોટો દાવો પણ કર્યો હતો. જો કે હવે, આ મામલે જગદીશ ચાવડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાંચમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીબેન સામે ફરિયાદ નોંધાવી છે. કિરણ પટેલે સરકારી અધિકારી તરીકેની ઓળખ આપીને મોટી છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. બુધવારે ક્રાઈમ બ્રાન્ચે આ અંગે ફરિયાદ નોંધી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. માહિતી મુજબ, છેલ્લા ત્રણેક દિવસથી ઠગ કિરણ પટેલની પત્ની માલિનીબેન પરિવારના અન્ય સભ્યો સાથે લાપતા હોવાનું પોલીસનું કહેવું છે. જો કે, પોલીસ તેમને શોધી રહી છે.