(જી.એન.એસ) તા. 21
અમદાવાદ,
અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં રસ્તા પરના ડિવાઇડર સાથે સ્કૂટર અથડાતા એક 15 વર્ષીય સગીર યુવકનું દર્દનાક મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ત્રણ મિત્રો સ્કૂટર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક સ્કૂટર પરનો કાબૂ ગુમાવતાં તે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે આ દર્દનાક દુર્ઘટનામાં સ્કૂટર પર સવાર 15 વર્ષીય સગીર યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
જ્યારે, સ્કૂટર પર સવાર અન્ય બે યુવકોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી હતી.
ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે રિવરફ્રન્ટ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.


