(જી.એન.એસ) તા. 6
ગાંધીનગર/જામનગર,
વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળમાં જામનગર જિલ્લામાં આવેલી ઔદ્યોગિક વસાહતોની વિગતો આપતાં મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જી.આઇ.ડી.સી. દ્વારા રાજ્યના તમામ ૩૩ જિલ્લામાં ૨૫૧ તાલુકા પૈકી ૧૪૯ તાલુકામાં અંદાજે ૨૩૯ વસાહતો આવેલી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં જામનગર જિલ્લાની કુલ પાંચ અલગ અલગ ઔદ્યોગિક વસાહતોમાં ૩૬૬૦ પ્લોટ તથા ૬૨૪ શેડની ફાળવણી કરવામાં આવી છે.
જામનગર જિલ્લામાં શેખપાટ ખાતે ૩૬.૭૬ હેકટર વિસ્તાર અને આણંદપર ખાતે ૩૨.૪૫ હેકટર જેટલી સરકારી જમીનોના આગોતરા કબજા મેળવીને નવી ઔદ્યોગિક વસાહત સ્થાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ સિવાય, જામજોધપુર અને લાલપુર તાલુકામાં નવી વસાહત સ્થાપવા બાબતે મંત્રીશ્રીએ કહ્યું કે આ અંગે અનુકૂળ જમીનની વિગતો મોકલી આપવા જામનગર જિલ્લા કલેકટરશ્રી પાસેથી વિગતો મંગાવવામાં આવી છે. આ વિગતો મળ્યેથી નિગમ દ્વારા ઉક્ત સ્થળોએ વસાહત સ્થાપવાની શક્યતા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.