મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.
આ MoU અન્વયે L&T દ્વારા ઉત્તર ગુજરાતના વડનગરમાં ₹22 કરોડના અંદાજિત ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે. અદ્યતન માળખાકીય સુવિધાઓ અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ સાથેની આ ઈન્સ્ટિટ્યુટના નિર્માણ માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા દસ એકર જમીન ફાળવવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસકામો તથા ભારતમાલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાનકૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઈન્સ્ટિટ્યુટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ ઈન્સ્ટિટ્યુટમાં ટૂંકાગાળાના વિવિધ ટેક્નિકલ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવશે, જેનો દર વર્ષે 1000થી વધુ યુવાઓ લાભ લઈ શકશે.