મૂડી’ઝ રેટિંગ્સે ભારતનું લાંબા ગાળાનું સ્થાનિક અને વિદેશી કરન્સી ઈશ્યૂઅર રેટિંગ ‘Baa3’ પર યથાવત્ રાખ્યું છે. સાથે જ “સ્થિર” આઉટલૂક પણ જાળવી રાખવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું કે ભારતીય અર્થતંત્રનું કદ મોટું છે, વૃદ્ધિ મજબૂત છે અને ફોરેક્સ રિઝર્વની સ્થિતિ સારી છે. મૂડી’ઝે વધુમાં કહ્યું કે ભારતનું ક્રેડિટ પ્રોફાઈલ મજબૂત છે, કેમ કે તેનો સ્થાનિક બજાર વિશાળ છે અને અનુકૂળ ડેમોગ્રાફિક્સને કારણે ગ્રોથની સંભાવનાઓ વધારે છે.
ફિસ્કલ ડેફિસિટ નિયંત્રણમાં રાખવા માટે સ્થાનિક ફાઈનાન્સિંગ બેઝ સ્થિર છે. જોકે જીએસટીમાં ઘટાડાને કારણે આવક ઘટશે અને અમેરિકન ટેરિફ તથા વૈશ્વિક નીતિગત પગલાં મધ્યમથી લાંબા ગાળાની વૃદ્ધિ પર દબાણ કરી શકે છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું કે તાજેતરના જીએસટી કાપને કારણે આવક ઓછી થશે, જેના કારણે ડેટ એફોર્ડેબિલિટીમાં પૂરતો સુધારો નહીં થાય. તેમ છતાં મજબૂત જીડીપી ગ્રોથ અને તબક્કાવાર ફિસ્કલ કોન્સોલિડેશનને કારણે સરકાર પરનો ઋણનો બોજ ધીમે ધીમે ઘટશે.
અન્ય રેટિંગ્સમાં પણ કોઈ ફેરફાર કરાયો નથી – ભારતનું શોર્ટ-ટર્મ લોકલ કરન્સી રેટિંગ ‘P-3’, લોંગ-ટર્મ લોકલ કરન્સી બોન્ડ સીલિંગ ‘A2’ અને લોંગ-ટર્મ ફોરેન કરન્સી બોન્ડ સીલિંગ ‘A3’ યથાવત્ રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં S&P ગ્લોબલે પણ ભારતનું સોવરેન રેટિંગ ૧૮ વર્ષ પછી અપગ્રેડ કરી ‘BBB’ કર્યું હતું. આમ છતાં અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ કરવામાં આવ્યા હોવા છતાં વૈશ્વિક એજન્સીઓ ભારતના આર્થિક ભવિષ્ય પ્રત્યે આશાવાદી છે.