મોંઘવારીનો માર દિવસે દિવસે વધી રહ્યો છે. ખાદ્ય પદાર્થ હોય કે પછી પેટ્રોલીયમ પેદાશો, આ ક્ષેત્રમાં થઈ રહેલા ભાવ વધારાની સીધી અસર અન્ય ચીજવસ્તુઓ પર જોવા મળી રહી છે. દુધ, ઘી, કઠોળ, તેલ, પેટ્રોલ અને ડીઝલ બાદ હવે સી.એન.જી.ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. જેના કારણે સામાન્ય માણસની કમ્મર તૂટી રહી છે. છેલ્લે 22 માર્ચના રોજ ગુજરાત ગેસ દ્વારા રૂ.4.79નો ભાવ વધારો કર્યો હતો. જેના 15 જ દિવસમાં ફરી ભાવ વધારો કરતા રૂ.6.45નો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 217 દિવસમાં આ છઠ્ઠો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે 217 દિવસમાં જ સીએનજીના ભાવમાં રૂ.22.50 નો અસહ્ય વધારો નોંધાયો છે. છેલ્લા છ ભાવ વધારા પર નજર કરીએ તો 1 સપ્ટેમ્બર 2021 ના રોજ ગુજરાત ગેસનો ભાવ રૂ.54.45 હતો. જે રૂ.3.65 વધીને 5 ઓક્ટોબરના રોજ રૂ.58.10 થયો. 15 ઓક્ટોબરના રોજ રૂ.2.68ના વધારા સાથે ભાવ રૂ.60.78 થયો. જે બાદ 01 નવેમ્બર ના રોજ રૂ.4.96 ના ભાવ વધારા સાથે આંક રૂ. 65.74 પર પહોંચ્યો હતો. જે બાદ 22 માર્ચ 2022 ના રોજ ભાવમાં રૂ.4.79 ના વધારા સાથે ભાવ રૂ.70.53 થઈ ગયો હતો. અને હવે બુધવારે મધ્ય રાત્રે વધુ રૂ.6.42 ના ભાવ વધારા સાથે હવે ભાવ રૂ.76.95 સુધી પહોંચી જતા વાહનચાલકો માટે અસહ્ય સ્થિતિ સર્જાઈ છે.
