સત્તામાં બેઠેલાઓ દ્વારા વારંવાર કહેવામાં આવે છે કે ૬૦ વર્ષમાં કોંગ્રેસે કંઈ જ કર્યુ નથી. તેઓને આકરો જવાબ આપતાં ધાનાણીએ જણાવ્યું હતું કે, ૧૯૬૦માં ગુજરાતનો પાયો નંખાયો ત્યારથી આજ સુધીમાં તમામ લોકો કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં જ ભણ્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી અટલજી, અડવાણીજી અને હાલના પ્રધાનમંત્રીએ પણ કોંગ્રેસે બનાવેલી શાળાઓમાં શિક્ષણ લીધું હશે.
આજે વિધાનસભા ગૃહમાં રાજ્યના શિક્ષણમંત્રીશ્રી દ્વારા લવાયેલ ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક-ર૦રરમાં વિચારો રજુ કરતા પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
તેમજ કેટલાય ઉદ્યોગપતિઓ, ડોકટરો, એન્જીનીયરો, વૈજ્ઞાનિકો વગેરે લોકોએ કોંગ્રેસના શાસનમાં બનેલી શાળામાં જ અભ્યાસ કર્યો હશે. કોંગ્રેસના શાસનમાં સરસ્વતીના મંદિરોમાં જ્ઞાનની પૂજા થતી હતી, આજે ભાજપના રાજમાં જ્ઞાનનો વેપાર થાય છે.
આજે સમયની જરૂરિયાત પ્રમાણે સૌને સસ્તું, સરળતાથી અને સંસ્કારી શિક્ષણ મળવું જોઈએ. ગુણવત્તાયુકત શિક્ષણ મળે, જ્ઞાનવર્ધક શિક્ષણ મળે, ચોપડીયા જ્ઞાનથી દેશ કે રાજ્યનો વિકાસ નહીં થાય. રાજ્યની શાળા-કોલેજોમાં ફી નિયંત્રણ કાયદાથી યોગ્ય રીતે ફી નિયંત્રણ કરવામાં આવી હોત તો ગરીબ, પછાત, મજૂર, ખેડૂતના દીકરાઓ કે જેમની ફી ભરવાનો વેંત નથી એવા બાળકો વધુ અભ્યાસ કરી શકત.