માંડવી તાલુકાના નાની ખાખર ગામના ૨૧ વર્ષીય યુવાન આદિત્યરાજસિંહ જાડેજાની રણજી ટ્રોફી માટે પસંદગી થતા કચ્છના લોકો અને રમતવીરોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. આર. ડી.વરસાણી ખાતે અન્ડર-૧૬ માટે કચ્છ વતી ટીમના ખેલાડીઓની પસંદગી થઈ રહી હતી ત્યારે જ આદિત્યરાજને કચ્છ વતી મેચ રમવા જણાવાયું હતું. પરિવારથી દૂર રહીને આદિત્યએ તન, મન થી ગોંડલ ખાતે ક્રિકેટની પ્રેક્ટિસ કરતા ફળ પેટે રણજી ટ્રોફીમાં પસંદગી મેળવી હતી. ૧૬ લોકોની ટીમમાં તેને ૮ ક્રમે સ્થાન અપાયું છે. તે હવે બેસ્ટ બોલર તરીકે આગામી મેચોમાં પ્રતિનિધિત્વ કરીને કચ્છનું ગૌરવ વધારશે. પુરા ત્રણ દાયકા પછી રણજી ટ્રોફીમાં કચ્છના ત્રીજા ખેલાડીની પસંદગી થઈ છે. અગાઉ ગાંધીધામના રવીન્દ્રસિંહ જાડેજા અને ભુજના ચંદ્રકાન્ત શાહની રણજી ટ્રોફીમાં પસંદગી થઈ હતી હવે ખાખરના આદિત્યરાજસિંહ જાડેજાની પસંદગી થયા બાદ તેને જવાબદારી મળી છે જે ખરેખર કચ્છ માટે ગૌરવની વાત છે. કચ્છનું ગૌરવ આદિત્યરાજસિંહ થી કચ્છને તેમજ સમાજને ખૂબ આશા છે કે તેઓ તેમનું તથા જિલ્લાનું અને પુરા દેશનું નામ રોશન કરશે.