



આ અંગેની વિગત એવી છે કે વડોદરાના સમા-સાવલીરોડ પર આવેલી સ્ટેટ બેંકની પાછળ વેલેરીયન ફ્લેટમાં રહેતા આશિષ બાબુભાઇ સુથાર હાલ નોઇડામાં ફરજ બજાવે છે. તેમના લગ્ન અભિલાષા સોસાયટીમાં રહેતા હિરાલાલ ગજ્જરની પુત્રી ભાર્ગવી સાથે થયા હતાં. લગ્ન બાદ ભાર્ગવીએ બે પુત્રીને જન્મ આપ્યો હતો. ભાર્ગવી વર્ષ-૨૦૦૬થી બાજવાની મહિરેવા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. તા.૨૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ આશિષ કામ માટે કોઇમ્બતુર ગયા હતાં. તે દિવસે સાંજે પત્નીને ફોન કરતા સ્વીચ ઓફ આવતો હતો જેથી સસરાને જાણ કરી હતી. ભાર્ગવીની બાદમાં શોધખોળ કરવા છતાં પત્તો મળ્યો ન હતો. બાદમાં પત્નીના મોબાઇલનું લોકેશન કઢાવતા સાવલી તાલુકાના લાંછનપુર ખાતે મળ્યું હતું. સંબંધીઓ દ્વારા લાંછનપુરમાં તપાસ કરતા મહી નદીના કિનારેથી ભાર્ગવીનું એક્ટિવા અને બાદમાં નદીમાંથી લાશ મળી હતી અને પત્નીના બ્લાઉઝમાંથી મોબાઇલ મળ્યો હતો. પોલીસે આ મોબાઇલ આશિષને સોંપ્યો હતો. ભાર્ગવીના મોબાઇલના સીડીઆર કઢાવતા બે દિવસમાં સંતરામપુરમાં રહેતા નવીન લક્ષ્મણ મુનિયા સાથે વાત થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નવીન મુનિયાની તે સમયે પૂછપરછ કરતા તે સરકારી શાળામાં આચાર્ય છે અને ભાર્ગવી સાથે પુસ્તકો અંગે વાતચીત થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આશિષે પત્નીનો ફોન રિપેરિંગ કરાવ્યો હતો ત્યારે છ માસ બાદ ભાર્ગવી અને નવીન વચ્ચે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ મળ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે નવીન મુનિયા ફોન કરીને ભાર્ગવીને સતત હેરાન કરતો હતો અને નવિન મુનીયાના ત્રાસથી કંટાળી જઇ ભાર્ગવીએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઉપરોક્ત હકીકત બાદ સાવલી પોલીસે નવીન મુનિયા સામે ભાર્ગવીને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે નવીન મુનિયા હાલ ઘોઘંબા તાલુકાની સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે.