વેસ્ટ ઈન્ડિઝને જાન્યુઆરી 2022માં 9 મેચ રમવાની છે, જેમાં 3 વન-ડે ઈન્ટરનેશનલ અને 6 ટી20 ઈન્ટરનેશનલ રમાશે.
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે સફેદ બોલની શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ (West Indies Cricket Team)ની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ક્રિસ ગેલ (Chris Gayle) ને જગ્યા મળી નથી. આ પાછળનું કારણ જણાવતા ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે (Cricket West Indies) કહ્યું કે તેઓ ગેલનું સન્માન કરવાની યોગ્ય તક શોધી રહ્યા છે. વેસ્ટ ઈન્ડિઝને જાન્યુઆરી 2022માં 9 મેચ રમવાની છે, જેમાં 3 વન-ડે ઈન્ટરનેશનલ અને 6 T20 આંતરરાષ્ટ્રિય મેચ હશે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના વડા રિકી સ્કેરિટે મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, ગેલ કિશોર વયનો હતો ત્યારથી જમૈકા અને વેસ્ટ ઈન્ડિઝ માટે અદ્ભુત પ્રદર્શન કરી રહ્યો છે. આવી સ્થિતિમાં તેની વિદાય ચાહકોની હાજરીમાં જ થાય તે જરૂરી બની જાય છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ યોગ્ય સમય અને તકની શોધમાં છે. જેથી ક્રિસ તે ક્ષણનો સંપૂર્ણ આનંદ માણી શકે.
અગાઉ એવા સમાચાર હતા કે ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ ક્રિસ ગેલ માટે આયર્લેન્ડ સામે વિદાય મેચનું આયોજન કરવા જઈ રહ્યું છે. પરંતુ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડના ચીફે સ્પષ્ટ કર્યું કે આયર્લેન્ડ સામેની એકમાત્ર T20 માટે ટીમમાં તેની પસંદગી કરવામાં આવે તેવી કોઈ યોજના નથી. 42 વર્ષીય ઓપનરે વેસ્ટ ઈન્ડિઝ માટે સફેદ બોલની ક્રિકેટમાં 380 મેચ રમી છે. આ સિવાય તેણે 103 ટેસ્ટ મેચોમાં પણ હિસ્સો લીધો છે.
સિરીઝ 8 જાન્યુઆરીથી શરૂ થશે
કીરોન પોલાર્ડ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે પસંદ કરાયેલ સફેદ બોલ ટીમનો કેપ્ટન હશે. આયર્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 3 મેચની ODI સિરીઝ 8 જાન્યુઆરીથી શરૂ થશે. બીજી વનડે 11 જાન્યુઆરીએ અને ત્રીજી 14 જાન્યુઆરીએ રમાશે. આ તમામ મેચ જમૈકાના સબીના પાર્ક ખાતે રમાશે.
આ ઉપરાંત, આ મેચો ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગનો પણ ભાગ હશે, જેમાં ટોચની 7 ટીમો 2023 વર્લ્ડ કપ માટે ઓટોમેટિક ક્વોલિફિકેશન મેળવશે. આયર્લેન્ડ સામેની એકમાત્ર T20 પણ જમૈકામાં રમાશે. આયર્લેન્ડ સામે સિરીઝ રમ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઈંગ્લેન્ડનો સામનો કરવાના ઈરાદા સાથે બાર્બાડોસ જવા રવાના થશે, જ્યાં તે 22 થી 30 જાન્યુઆરી સુધી 5 T20 મેચોની શ્રેણી રમશે.