શહેરનાં પ્રવેશદ્વારો પર ચુસ્ત પહેરો રખાશે, ફાર્મ હાઉસ-હોટલોમાં પણ આકસ્મિક ચેકીંગ કરાશે. પોલીસ વડા દ્વારા અધિકારીઓને રાત્રિ કરફ્યુની કડક અમલવારી કરાવવા સૂચનાઓ અપાઈ. ગાંધીનગરમાં આજે વર્ષના અંતિમ દિને 31મી ડિસેમ્બરની ઉજવણી પર રોક લગાવવા આજે સાંજથી જ પોલીસ માર્ગો પર પેટ્રોલીંગ વધારશે. તેમજ શહેરના પ્રવેશદ્વારો પર ચુસ્ત નાકાબંધી કરીને ફાર્મ હાઉસ તેમજ હોટલોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી નશાખોરોને ઝડપી પાડવા દોડધામ કરી મૂકશે. ગાંધીનગરમાં એકતરફ કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. એવા આજે વર્ષ 2021ના અંતિમ દિવસે 31મી ડિસેમ્બરની ઉજવણી તેમજ પાર્ટીઓ પર ધોંસ બોલાવવા પોલીસ સજ્જ થઈ ગઈ છે. જેના પગલે આજે સૂર્યાસ્ત થતાં જ ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી જશે.