જામનગર નજીક ખંભાલીયા રોડ પર આવેલ મોટી ખાવડી ગામેથી વડોદરા પોલીસે એક સખ્સને ઉઠાવી લીધો છે. મૂળ ઉતરપ્રદેશના આ સખ્સે સોશ્યલ મીડિયામાંથી અનેક મહિલાઓના મોબાઈલ નંબર મેળવી, સંખ્યાબંધ મહિલાઓની પજવણી કરી હોવાની વિગતો બહાર આવી હતી. વડોદરાના એક આસામીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા આરોપીના નંબર ટ્રેસ કરાવી આરોપીને ખાવડી ગામેથી દબોચી લીધો હતો અને વડોદરા લઇ જઈ પૂછપરછ શરુ કરી છે. સોશ્યલ મીડિયા પર પોતાની અંગત બાબતો મુકવી કેટલી ભારે પડી શકે છે એનું તાજું ઉદાહરણ સામે આવ્યું છે. ખાસ કરીને મહિલાઓએ પોતાના મોબાઈલ નંબર કે ઈમેઈલ આઈડી સોશ્યલ મીડિયામાં સેર કરતા ચેતવું જોઈએ એમ પોલીસનું પણ કહેવું છે. વાત એમ છે કે વડોદરા રહેતા એક આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓની પત્નીને અજાણ્યા નંબર પરથી બીભત્સ વિડીઓ રીસીવ થઇ રહ્યા છે અને સમયાન્તરે આ સખ્સ આવું કરી રહ્યો છે. ફોન કરતા તે ધમકી આપતો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે અજાણ્યા સખ્સના મોબાઈલ નંબર પરથી ફરિયાદ નોંધી જે તે નંબર ટ્રેસ કરાવ્યા હતા. જે નંબર જામનગર જીલ્લાના મોટી ખાવડી ગામેથી એક્ટીવ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પોલીસે જામનગર તરફ તપાસ લંબાવી હતી અને આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે મૂળ ઉતરપ્રદેશના અને અત્રે મજુરી કામ કરતા મુકેશ લલનસિંગ નામના સખ્સને પકડી પાડ્યો હતો. આ સખ્સે સોશ્યલમીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પરથી મહિલાઓના નંબર મેળવી, ૪૦થી વધુ મહિલાઓને છેલ્લા એક મહિનામાં સંખ્યાબંધ બીભત્સ વિડીઓ મેસેજ મોકલ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની વિધિવત ધરપકડ કરી વડોદરા લઇ ગઈ છે.