મીડિયા રિપોર્ટ પ્રમાણે, હાલોલના છેવાડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરા, હાલોલની ઉમા સોસાયટીમાં રહેતા નિર્મલ પટેલ સહિત 6 યુવક-યુવતી 17 નવેમ્બરે બર્થડે સેલિબ્રેટ કરવા કારમાં વડોદરાના સમામાં આવેલા વુડીજોન્સ પિત્ઝામાં આવ્યાં હતાં, જ્યાં પિત્ઝા સ્ટોરના સંચાલક હાર્દિક નટુભાઇ પંચાલ સાથે નિર્મલે તમામની ઓળખાણ કરાવી હતી અને તમામે પિત્ઝા સાથે પીણું પીધું હતું. મોડી રાત્રે સાથે આવેલા એક યુવક અને યુવતી એક્ટિવા પર, જ્યારે કિશોરી સાથે હાર્દિક પંચાલ અને અન્ય મિત્રો નિર્મલની કારમાં હરણી પાસે આવેલી હોટલમાં ગયાં હતાં. કિશોરીને હાર્દિક પંચાલ અને નિર્મલ પટેલ જબરદસ્તીથી રૂમમાં લઈ ગયા હતા, જ્યાં સગીરાએ પ્રતિકાર કરતાં નિર્મલે ગુસ્સામાં ટેબલ ઊંચકીને ફેંક્યું હતું. દરમિયાન નિર્મલ રૂમમાંથી બહાર નીકળી જતાં હાર્દિકે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ તેણે ધમકી આપી હતી કે આ વાત કોઈને કહીશ તો તને અને તારાં માતા-પિતાને મારી નાખીશ. સગીરાએ આ અંગે અન્ય મિત્રોને કહેતાં મોડી રાત્રે નિર્મલની કારમાં તમામ હાલોલ આવ્યા હતા. જ્યાં સગીરાને ઘરે મૂકવા જતી વખતે કાર દાવડા પાસે એક ટ્રક પાછળ પાર્ક કરી નિર્મલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. એ પછી તેને ઘરે છોડી ગયો હતો. દરમિયાન 19 ડિસેમ્બરે સગીરા પર નરાધમ હાર્દિકનો ફોન આવ્યો હતો અને તેને વડોદરા બોલાવી હતી અને નહીં આવે તો તારો સ્ક્રીનશોટ ઈસ્ટાગ્રામ પર વાઇરલ કરી દઈશ, એમ કહેતાં સગીરા હાલોલથી બસમાં ગોલ્ડન ચોકડી પહોંચી હતી, જ્યાં હાર્દિક કાર લઈ આવ્યો હતો અને તેને કોઈ અવાવરૂ જગ્યા પર રૂમમાં લઈ ગયો હતો. જ્યાં બે દિવસ સુધી સગીરા પર દુષ્કર્મ આચરી ત્રીજા દિવસે સગીરાને રૂા.50 આપી ગોલ્ડન ચોકડી મૂકી ભાગી ગયો હતો. સગીરા હાલોલ આવ્યા બાદ પરિવારજનોએ પૂછતાં તેણે ઘટના કહેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આખરે સગારીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાર્દિક અને નિર્મલ પટેલ વિરુદ્ધ અપહરણ, પોક્સો, ગુનાહિત કાવતરા સહિત જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી બંનેને હાલોલમાંથી ઝડપી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી હતી.