જામનગર શહેર અને જિલ્લામાં શનિવારે-રવિવારે રાત્રે કર્ફ્યુની અમલવારી દરમિયાન ત્રણ મોટર સાયકલ ચાલક તથા એક રિક્ષા ચાલક દારૂનો નશો કરેલી હાલતમાં નીકળેલા મળી આવ્યા હતા જેથી પોલીસ તંત્ર દ્વારા તેઓની સામે કરફ્યુ ભંગ ઉપરાંત દારૂબંધી ભંગ અંગેનો પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.
જામનગર શહેરમાં રાત્રી કરફ્યુની પોલીસ તંત્ર દ્વારા અમલવારી કરાવવામાં આવી રહી હતી, તે દરમિયાન આવાસ કોલોની વિસ્તારમાં રહેતો મનોજ ઉર્ફે કંકુ કાંતિભાઈ પરમાર કે જે પોતે ઈંગ્લીશ દારૂની બાટલી લઈને જાહેરમાં પસાર થઈ રહ્યો હતો. પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કરતાં દારૂ મુકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી લઈ આરોપી મનોજની શોધખોળ હાથ ધરી છે.આ ઉપરાંત જામનગર નજીકના દરેડ વિસ્તારમાંથી દારૂનો નશો કરીને બાઇક પર નીકળેલા આકાશ વિનોદભાઈ નડીયાપરા નામના શખ્સને પોલીસે પકડી પાડયો છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધી પોલીસમથકમાં બેસાડી દીધો છે.જોડિયા તાલુકાના બાદનપર ગામના પાટિયા પાસેથી દારૂનો નશો કરીને બાઇક પર નીકળેલા જીતેન્દ્ર પ્રેમજીભાઈ કોળીને પોલીસે પકડી પાડ્યો છે, અને તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુન્હો નોંધી બાઇક કબજે કરી લીધું છે. કાલાવડ – બાલંભડી રોડ પર ગણેશ નગર વિસ્તારમાંથી મયુર મગનભાઈ ડાંગર નામનો રિક્ષાચાલક દારૂનો નશો કરીને રિક્ષામાં પસાર થતાં પોલીસે તેની અટકાયત કરી લઇ તેની સામે કરફ્યુ ભંગ ની સાથે સાથે દારૂબંધી બંધ અંગે ગુનો નોંધ્યો છે, અને રિક્ષા કબજે કરી લીધી છે.આ ઉપરાંત ખીમાણી સણોસરા ગામ નો લકીરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા નામનો બાઇકચાલક કાલાવડના આણંદપર ગામ ની ચેકપોસ્ટ પાસેથી દારૂનો નશો કરેલી હાલતમાં મળી આવતાં પોલીસે તેની દારૂબંધી ભંગ બદલ અટકાયત કરી લીધી છે, અને બાઇક કબજે કર્યું છે.