સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી બી.કોમ સેમેસ્ટર-3ની પરીક્ષાનું અર્થશાસ્ત્રનું પેપર લીક થવાની ઘટનામાં બાબરાની સરદાર પટેલ લૉ કોલેજના પ્રિન્સીપાલ, ક્લાર્ક અને વિદ્યાર્થીઓની સંડોવણી બહાર આવી હતી. પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાબરા લૉ કોલેજના પ્રિન્સીપાલ અને ક્લાર્કનું નામ ખુલતા તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લૉ કોલેજના પ્રિન્સીપાલ અને ક્લાર્કે વિદ્યાર્થીઓ સાથે મળી અર્થશાસ્ત્રનું પેપર ફોડી નાખ્યુ હતુ. પ્રશ્નપત્રનું કવર પ્રિન્સીપાલના કબજામાં હતુ, જેની તસવીરો સોશિયલ મીડિયાના માધ્યમથી વિદ્યાર્થીઓ સુધી પહોચાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ આ પેપર પરીક્ષા ચાલુ થાય તે પહેલા જ વોટ્સએપ ગ્રુપમાં મુકી દીધુ હતુ. કોલેજના સંચાલકો દ્વારા આ મુદ્દે ઠરાવ પસાર કરી પ્રિન્સીપાલ દિલાવર કુરેશી અને ક્લાર્ક રાહુલ પંચાસરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મેનેજીંગ ટ્રસ્ટી કમલેશ મહેતાએ કહ્યુ કે, પેપર લીક કાંડમાં પ્રિન્સીપાલ અને ક્લાર્કની સંડોવણી ખુલતા તેમણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઇકાલે પોલીસ તેમણે અહીથી લઇ ગઇ હતી. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી થાય તે જરૂરી છે.