પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તા.23 જાન્યુઆરી, 2022ને રવિવારના રોજ 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયોની રસીના ટીપા પીવડાવવામાં આવશે. જેને લઇને પાટણ ખાતે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પલ્સ પોલીયો રસીકરણ વર્કશોપ યોજાયો હતો. પોલીયો રસીકરણ ઝુંબેશના ભાગરૂપે જિલ્લાના તમામ ગામો અને શહેરી વિસ્તારમાં પોલિયો રસીકરણ બુથ કેન્દ્રો, ટ્રાન્જીસ્ટ પોઈન્ટો, મોબાઈલ સાઈટ ઉપર તમામ વિસ્તારને આવરી લઈને 0થી 5 વર્ષ સુધીના તમામ બાળકોને એક સાથે પોલિયો રસીકરણથી જિલ્લામાં 1 લાખ 85 હજાર 161 જેટલા બાળકોને આવરી લેવા માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક સાથે તમામ બાળકોને પોલિયો રસીથી આવરી લેવામાં આવે તો તમામ બાળકોને એક સાથે સુરક્ષિત કરી શકાશે. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ વર્કશોપમાં હાજર જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રોના મેડીકલ ઓફિસર તેમજ તમામ તાલુકા હેલ્થ ઓફિસરઓને આ અભિયાન અંતર્ગત એકપણ બાળક પોલીયો રસીથી વંચિત ન રહી જાય એ માટે સઘન માઈક્રોપ્લાનીંગ કરવા જણાવ્યું હતું. આ વર્કશોપમાં દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એસ.એ.આર્ય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ડબલ્યુ એચ.ઓ.કંન્સલન્ટંટ ઉપસ્થિત રહ્યા હતા.