અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર ૫૦ ટકા ટેરિફ સાથે આગળ વધવાના કરેલા નિર્ણયને પરિણામે દેશના રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગની આવક વૃદ્ધિ વર્તમાન નાણાં વર્ષમાં મંદ પડી ૩-૫ ટકા રહેવા ધારણાં મૂકવામાં આવી છે. ગયા નાણાં વર્ષની સરખામણીએ વર્તમાન નાણાં વર્ષની આવક વૃદ્ધિ લગભગ અડધી જોવા મળશે એમ ક્રિસિલ રેટિંગના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
અમેરિકા ભારતના ગારમેન્ટની સૌથી મોટી બજાર છે. નાણાં વર્ષ ૨૦૨૪માં ગારમેન્ટની ૧૬ અબજ ડોલરની નિકાસમાં ૩૩ ટકા નિકાસ અમેરિકા ખાતે થઈ હતી. ઊંચા ટેરિફને કારણે એશિયાના હરિફ દેશો સામે ભારતના ગારમેન્ટ ઉદ્યોગની સ્પર્ધાત્મકતામાં ઘટાડો થશે. ૫૦ ટકા ટેરિફ જળવાઈ રહેશે તો અમેરિકા ખાતે ભારતની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થશે.
વર્તમાન નાણાં વર્ષમાં ભારતની ગારમેન્ટ નિકાસમાં અમેરિકાનો હિસ્સો ઘટી ૨૦થી ૨૫ ટકા રહેવાની પણ ધારણાં મૂકવામાં આવી રહી છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ભારતની ગારમેન્ટ નિકાસ ૧૦ ટકા વધી ૪ અબજ ડોલર રહી છે જેમાં અમેરિકાનો હિસ્સો ૧૪ ટકા રહ્યો હતો. સપ્ટેમ્બર બાદ નિકાસમાં ઘટાડો જોવા મળશે. નિકાસમાં ઘટાડાને કારણે ગારમેન્ટ ઉત્પાદકોની નફાશક્તિમાં પર પણ દબાણ જોવા મળશે.