AMCના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત સહિત આવાસોના ડ્રો સંપન્ન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ₹૫૨૫ કરોડના ૨૮ પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ₹૯૮૨ કરોડના ૩૦ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું
(જી.એન.એસ) તા. ૭
અમદાવાદ,

ગુજરાતના પ્રવાસે પધારેલા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ.૧૫૦૭ કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહના હસ્તે દેવનગર ખાતે નિર્માણ પામનાર મીની સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત સહિત વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ગૃહયોજના હેઠળ નિર્માણ પામેલા ૪૬૫ આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા ૧૫૭૩ આવાસોનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો. આવાસોના લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવાસની ચાવી કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવી નિમણૂંક પામેલ ૧૦૨ સહાયક ફાયરમેનને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિત શાહે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાને અર્પણ કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરૂ કરેલ ખેલ મહાકુંભની યાત્રા આજે દેશમાં ખેલો ઇન્ડિયા થકી આગળ વધી છે. જેના દ્વારા અનેક ખેલાડીઓ તેમના શરીર અને મનને મજબૂત કરી રહ્યા છે. જીતવાનું ઝનૂન અને હારમાં નિરાશ નહિ થવાના સંસ્કાર પણ ખેલકૂદથી મળી રહ્યા છે
શ્રી શાહે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં અનેક રમત સંકુલ સહિત આંતરરાષ્ટ્રીય કક્ષાની વ્યસ્થા થઈ છે જેના પગલે ખેલાડીઑ પાંચ કિલોમીટરની અંદર આ સુવિધાનો લાભ લઈ પોતાની પ્રતિભાને ઉજાગર કરી રહ્યા છે, તેમણે જગ્યાના સદઉપયોગ માટે અમદાવાદ શહેરને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, શહેરમાં ઓવરબ્રિજની નીચે નાના ખેલ સંકુલો, પુસ્તકાલય, ઓપન જિમ,યોગ સંકુલો બનાવી અનેક શહેરોને અમદાવાદ પ્રેરણા આપી રહ્યું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે વિશ્વનુ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની બાજુમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ બનવા સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક સુવિધાઓ થકી કોમનવેલ્થ ૨૦૩૦ની યજમાની અમદાવાદને મળી છે, સાથે આગામી ૨૦૨૯માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડ જવાનોની રમત અને ૧૩ જેટલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ સાથે ૨૦૩૬ ઓલમ્પિક માટે અમદાવાદે તૈયારી કરી છે. આ સાથે સમગ્ર વિશ્વના નકશામાં અમદાવાદ ખેલક્ષેત્રે અગ્રિમ સ્થાન પર અંકિત થઈ રહ્યું છે
૧૫૦૦ કરોડથી વધુ વિકાસના કામો માટે રાજ્યના મુખ્યમંત્રી સહિત સરકારનો આભાર માનતા શ્રી શાહે જણાવ્યું હતું કે, આ કામો વિકાસના બજેટમાં ઉમેરાવાના છે, વિકાસનો કોઇ આયામ છુટી ન જાય તેની કાળજી રાખી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે
શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રે વિકાસ થઇ રહ્યો છે, દેશને મહાન બનાવવના સંકલ્પ સાથે સરકાર કામ કરી રહી છે ત્યારે નેતા અને નિતી વગરનાઓને દેશની જનતા કોઇ પણ ખૂણામાં સ્થાન આપી નથી રહી જે સરકાર પ્રત્યે જનતાની વિશ્વસનીયતા બતાવે છે
તેમણે અયોધ્યા રામ મંદિર નિર્માણ અંગે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં ભૂમિપૂજન, ૨૦૨૪માં પ્રાણ પ્રતિષ્ઠા અને ૨૦૨૫માં ધ્વજ લહેરાવી ગૌરવપુર્ણ કાર્ય દેશના પ્રધાનમમંત્રીશ્રીના નેતૃત્વમાં થયું છે, સાથે સીતા માતાનો જન્મ થયો તે સ્થળે પણ ભૂમિપૂજન કરી આ યાત્રાને આગળ ધપાવવાનું કામ થઇ રહ્યું છે
શ્રી શાહે દેશમાં સુરક્ષા,અર્થતંત્ર, માળખાકીય સુવિધાઓ, સિંચાઇની સુવિધામાં વધારો, અનાજના ઉત્પાદનમાં વધારો, એમએસપી ખરીદીમાં વધારો જેવા અનેક આયામો થકી દેશની પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દુનિયાભરમાં વધી રહી છે તેમ જણાવ્યું હતું
ગુજરાતના વિવિધ વિકાસ માઈલસ્ટોન વિશે વાત કરતા શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતમાં સાકાર થવા જઈ રહ્યો છે. એશિયાનું સૌથી મોટું ગ્રીનફિલ્ડ સીટી ધોલેરા ગુજરાતમાં નિર્માણ પામી રહ્યું છે. ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ હાઈવે સુરત-ચેન્નઈ હાઇવે ગુજરાતમાંથી પસાર થઈ રહ્યો છે. દેશની સૌથી પહેલી ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટી ગુજરાતમાં નિર્માણ પામી છે. પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થવાની છે તથા પહેલી નમો રેપીડ રેલ ભુજથી અમદાવાદ વચ્ચે શરૂ થઈ છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે દેશ આગળ વધી રહ્યો છે ત્યારે ગાંધીનગર લોકસભાને હરીયાળી લોકસભા બનાવવા માટે આપણે સૌએ કમર કસવી પડશે, તે માટે દરેકે ૦૫ થી ૫૦ વૃક્ષોનો સંક્લપ લઇ તેનું જતન કરવા પણ તેમણે અનુરોધ કર્યો હતો
કેન્દ્રિય ગૃહમંત્રીશ્રીએ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સેનાના અપ્રિતમ સાહસ, શૌર્ય અને તેમના બલિદાનને બિરદાવી તેમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી પાઠવી હતી
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે દેશસેવા અને સરહદોની સુરક્ષા કરતા સૌ જવાનોના ત્યાગ, તપસ્યા અને બલિદાનનું સ્મરણ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે સૈનિક કલ્યાણના અનેક કામોથી જવાનોનું ગૌરવ કર્યું છે. દેશની સરહદની સાથે આંતરિક સુરક્ષા અને સલામતીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમના નેતૃત્વમાં દેશમાં વિકાસની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે અને તેમાં પણ ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે અગ્રેસર રહ્યું છે. ગુજરાત વિકાસની આ વણથંભી યાત્રામાં સતત નવા આયામો સર કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સતત વિકાસકાર્યોની ભેટ આપી છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે તેમણે અમદાવાદની વિકાસયાત્રાને નવું બળ આપ્યું છે અને એ જ દિશામાં આજે વધુ એક વખત તેઓ ₹૧૫૦૭ કરોડના પ્રજાલક્ષી કામોની ભેટ આપી રહ્યા છે. શ્રી અમિતભાઈએ પોતાના સંસદીય મતક્ષેત્રને દેશનું સૌથી વધુ વિકસિત સંસદીય ક્ષેત્ર બનાવવાની નેમ રાખી છે. જેને સાકાર કરવા માટે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પાછલા વર્ષોમાં ₹૨૨૫૫૧ કરોડથી વધુના વિકાસ કામો આ વિસ્તારમાં થયા છે. આવાસ, ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ રસ્તા, પાણી, ડ્રેનેજ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોને લીધે શહેરની સુવિધામાં વધારો થયો છે એમ તેમણે ઉમેર્યું હતું.
શહેરી વિકાસ વિશે વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે માટે લેક ડેવલપમેન્ટ, બાગ બગીચાઓનો વિકાસ, લાઈબ્રેરી, રમત ગમત સંકુલ પણ ઉભા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે દેશના દરેક નાગરિકના માથે પાકી છત હોય, દરેકનું ઘરનું ઘર હોય. આ માટે તેમણે દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતમાં ૧૩ લાખથી વધુ આવાસો બન્યા છે. આ આવાસો માત્ર ઈંટ પથ્થરના મકાનો જ નથી, પણ પૂરતી સુવિધાયુક્ત ઘરો છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
કાર્યક્રમ અંતર્ગત લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર આવાસો વિશે જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે શ્રી અમિતભાઈએ હંમેશા લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂક્યો છે. તેમના સક્રિય પ્રયાસોના પરિણામે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર હરિયાળો મતવિસ્તાર બન્યો છે. શહેરી વિસ્તાર જ ૮% જેટલું ગ્રીન કવર વધ્યું છે. મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ નિર્માણ કરવામાં આવ્યું છે.
૨૮ લાખ જેટલા વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવામાં આવ્યું છે. વૃક્ષારોપણ, તળાવોનું પુનઃનિર્માણ, ઓક્સિજન પાર્ક સહિતની એક આખી પર્યાવરણ ફ્રેન્ડલી ઇકોસિસ્ટમ ઉભી થઈ છે.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશનો અમૃતકાળ ચાલે છે ત્યારે વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીના સફળ પ્રયાસોના પરિણામે અમૃતકાળમાં અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ની યજમાની પ્રાપ્ત થઈ છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે
કોમનવેલ્થ ગેમ્સના લીધે અમદાવાદ શહેરમાં વિકાસની ગતિ બમણી થશે. આવનાર દિવસોમાં વિશ્વ કક્ષાના અનેક નવા પ્રકલ્પો સાકાર થશે અને અમદાવાદ દેશના સ્પોર્ટસ કેપિટલ તરીકે પ્રસ્થાપિત થશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
શહેરના મેયર શ્રી પ્રતિભાબહેન જૈને સ્વાગત પ્રવચન કરતા સૌને વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આવકાર્યા હતા. તેમણે અમદાવાદને ક્લિનેસ્ટ સિટી તરીકેનું બહુમાન મળવા પર અને કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. મેયરશ્રીએ લોકાર્પણ/ખાતમુહૂર્ત કરાયેલા વિવિધ વિકાસ પ્રકલ્પો વિશે વાત કરી હતી અને આવા પ્રજાલક્ષી વિકાસકાર્યોની ભેટ આપવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદના થલેતજ ખાતે ૮૮૧ EWS આવાસો- તુલસી રેસીડેન્સીનું નામાભિધાન તેમજ લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત, સાઉથ બોપલમાં ઇલેક્ટોથર્મ ગાર્ડનનું લોકાર્પણ, સરખેજ ગામ ખાતે શ્રી ક્ષેત્ર સરોવરનું લોકાર્પણ, વસ્ત્રાપુર ખાતે ભક્તકવિ નરસિંહ મહેતા સરોવર- વસ્ત્રાપુર તળાવ જેને રિડેલવપ કરવામાં આવ્યું છે, તેનું પણ લોકાર્પણ કર્યું હતું.
વધુમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રીએ મેમનનગર ખાતે નારાયણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટનું લોકાર્પણ, નવા વાડજ – નટના છાપરા ખાતે રીહેબિલીટેશન કરવામાં આવેલા ૩૫૦ આવાસોનું લોકાર્પણ તેમજ ગોતા ખાતે મીની સ્પોટ્સ કોમ્પલેક્ષનું ખાતમુહૂર્ત કર્યું હતું. સાથે તેમણે રાણીપ રેલ્વે ઓવરબ્રિજ પાસે આવેલા રમતગમતપ્રવૃતિ સંકુલ અને ન્યુ રાણીપમાં આવેલા જીન્મેશિયમ અને વાંચનલાયની મુલાકાત પણ કરી હતી.
વિવિધ વિકાસના પ્રકલ્પોના લોકાર્પણ/ખાતમુહૂર્ત પ્રસંગે અમદાવાદના મેયર શ્રી પ્રતિભાબેન જૈન, નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, રાજ્યકક્ષાના મંત્રીશ્રી દર્શનાબેન વાધેલા, રાજ્યસભાના સાંસદશ્રી નરહરિ અમીન, અમદાવાદ પૂર્વ અને પશ્વિમના સાંસદશ્રીઓ શ્રી હસમુખભાઈ પટેલ અને શ્રી દિનેશભાઈ મકવાણા, અગ્રણી શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ શહેરના ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, કાઉન્સિલરશ્રીઓ, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, શાસકપક્ષના નેતાશ્રી, દંડકશ્રી, વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ તેમજ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટીસંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


