રાજસ્થાનના સિરોહી જિલ્લાના માઉન્ટ આબુમાં તાપમાન 0 ડિગ્રી થઇ ગયુ હતુ. તાપમાનનો પારો ગગડી જવાને કારણે નક્કી લેકમાં બરફના થર જામી ગયા હતા. માઉન્ટ આબુમાં ફરવા આવેલા પ્રવાસીઓને હિમાલય જેવો અનુભવ થતા રોમાંચિત થઇ ઉઠ્યા હતા.
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા કેટલાક સમયથી તાપમાનનો પારો ગગડ્યો છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 0 ડિગ્રી થતા મેદાની વિસ્તારો, ઘર અને હોટેલની બહાર પાર્ક કરેલી કારની છત, રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફના થર જામી ગયા હતા.
હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઇને રોમાંચિત થઇ ગયા હતા. ગુજરાત સહિતના રાજ્યમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ ફરવા માટે જતા હોય છે ત્યારે નાના બાળકો પણ બરફ સાથે રમતા જોવા મળ્યા હતા. માઉન્ટ આબુમાં ઠંડીને કારણે લોકોના જનજીવન પર અસર થઇ છે અને લોકો લાંબા સમય સુધી ઘરમાં અને હોટલોમાં જ કેદ થઇ ગયા હતા. આગામી બે-ત્રણ દિવસ ઠંડી વધે તેવી શક્યતા પણ છે.