ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સીધી ભરતીથી કુલ ૪૧ જગ્યા ભરવા માટેની કામગીરી પ્રગતિમાં: રાજ્યમંત્રીશ્રી
(જી.એન.એસ) તા. 24
ગાંધીનગર,
રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની ભરેલી જગ્યાઓ અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની કુલ ૨૪૮ જગ્યાઓ પૈકી ૨૦૫ જગ્યાઓ ભરાયેલી છે, જ્યારે ૪૩ જેટલી ખાલી જગ્યાઓ પૈકી ૮ જગ્યા પર ટૂંક સમયમાં નિમણૂક કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ સિવાયની સીધી ભરતીથી ભરવાની અન્ય જગ્યાઓમાંથી ૧૧ જગ્યાઓનો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ની જાહેરાતમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ જ રીતે, બીજી ૩૦ જગ્યાઓ માટે તા. ૧લી જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ આયોગને માગણી મોકલી આપવામાં આવી છે તેમ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૭થી જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં કુલ ૧૩૪ જગ્યાઓ સીધી ભરતીથી અને કુલ ૩૬૬ જગ્યાઓ બઢતીથી ભરવામાં આવી છે તેમ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.