(જી.એન.એસ) તા. 16
વડોદરા,
વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તારમાં આવેલા આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધી હતા જે મામલે વડોદરા પોલીસ દ્વારા રક્ષિતને કોર્ટમાં રજુ કરીને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ દરમિયાન રક્ષિતને પોતાની સાચી-ખોટી વાત મીડિયા સમક્ષ રજુ કરવા માટે મદદગારી કરનાર સહિત ત્રણ એએસઆઇ જવાનોની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન અનધર રાઉન્ડ અને નિકિતાની પણ તપાસ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં પહેલી વખતમાં આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગતરોજ કોર્ટમાં રજુ કરીને તેને વધુ બે દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જેમાં પોલીસ ઘટના બાદ આરોપી દ્વારા બુમો પાડીને કહેવાયેલા શબ્દો અનધર રાઉન્ડ અને નિકિતા સહિત 7 થી વધુ મુદ્દાઓ પર તપાસ કરશે તેમ જાણવા મળ્યું છે.