(જી.એન.એસ) તા. 16
જામનગર,
જામનગરની મહાનગર પાલિકાની એસ્ટેટ વિભાગ ફરી એકવાર ગેરકાયદેસર દબાણ મુદ્દે એક્શનમાં આવ્યું હતું જેમાં, તળાવની પાળે જૂની આરટીઓ કચેરીના આસપાસના વિસ્તારમાં અડીંગો જમાવીને પડી રહેતી 20 જેટલી રેકડીઓ કબજે કરી લેવામાં આવી છે, ઉપરાંત તે સ્થળે ફરીથી ગેરકાયદે રીતે ચાલુ કરી દેવામાં આવેલી બાળકો માટેની નાની ૪ રાઈડ પણ કબજે કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવામાં આવી છે.
એસ્ટેટ વિભાગની આ કામગીરી જોવા આસપાસ ના લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જૂની આરટીઓ કચેરીના માર્ગ પાસે તળાવની પાળે પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. તે સ્થળે અનેક રેકડીઓના જંગલ ખડકાઈ જતા હોવાના કારણે આ સમસ્યા સર્જાતી હોવાથી એસ્ટેટ શાખા ના અધિકારી નીતિન દીક્ષિત ઉપરાંત દબાણ હટાવ અધિકારી અનવર ગજણ અને તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને ખુલ્લો કરાવી દેવામાં આવ્યો છે.
દબાણ દૂર કરવાની કામગીરી જી.જી. હોસ્પિટલ રોડ પર ફરીથી દબાણ સર્જાયા હોવાથી તેમજ કેટલીક રેકડીઓ નું દબાણ સર્જાયું હોવાની માહિતીના આધારે જી.જી. હોસ્પિટલ રોડથી પંચવટી સોસાયટી સુધી ઝુંબેશ હાથ ધરી ને ત્યાંથી પણ 20 થી વધુ રેકડી તેમજ અન્ય પથારા સહિતના દબાણો હટાવી લઈ મહા નગરપાલિકાની કચેરીમાં જમા કરાવી દેવાયા હતા. કેટલાક રેકડીદારકો કે જેઓ દ્વારા કાયમી રીતે જાહેર માર્ગ પર રેકડી રાખી દેવામાં આવી હતી, આવી રેકડીઓ કબજે કરી લેવામાં આવી છે.