પ્રવાસન, હોસ્પીટાલીટી અને લોજિ સ્ટિક્સ ક્ષેત્રોમાં કુશળ માનવબળ વિકસાવવા માટે અભ્યાસક્રમ ડિઝાઇન કરવા, પ્રાયોગીક તાલીમની સુવિધા આપવા અને વિદ્યાર્થીઓ માટે વધુ સારી રોજગાર ક્ષમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે
(જી.એન.એસ) તા. 11
ગાંધીનગર,
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની રાજ્ય યુનિવર્સિટી, કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી (KSU), એ અમદાવાદના ચાંદખેડા કેમ્પસ ખાતે FIND-JOBS જર્મની અને ડૉ. સ્કીલ આઉટરીચ પ્રાઇવેટ લિમિટેડ, ભારત સાથે એક મહત્વપૂર્ણ ત્રિપક્ષીય સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.
આ એમ.ઓ.યુ.નો મુખ્ય ઉદ્દેશ્ય પ્રવાસન, હોસ્પીટાલીટી અને લોજિસ્ટિક્સ ક્ષેત્રોમાં કુશળ માનવબળ વિકસાવવા માટે સહયોગી માળખું વિકસાવવાનો છે. આ ભાગીદારી ઉદ્યોગની જરૂરીયાત મુજબ અભ્યાસક્રમ ડિઝાઇન કરવા, પ્રાયોગીક તાલીમની સુવિધા આપવા અને વિદ્યાર્થીઓ માટે વધુ સારી રોજગાર ક્ષમતા સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. વધુમાં, તે ફેકલ્ટી વિકાસ કાર્યક્રમો, ટ્રેનિંગ-ઓફ-ટ્રેનર (ToT) અને શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચેના અંતરને દૂર કરવા માટે ઉદ્યોગ નિષ્ણાતો સાથેની સહભાગિતાને સક્ષમ બનાવશે.
આ એમ.ઓ.યુ. દ્વારા, વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ અને એપ્રેન્ટિસશીપની તકો મળશે, તેમના વ્યવહારુ અનુભવમાં વધારો થશે અને તેમને વૈશ્વિક કારકિર્દીની સંભાવનાઓ માટે તૈયાર કરવામાં આવશે. વધુમાં, આ એમ.ઓ.યુ.માં વિશિષ્ટ બ્રિજ કોર્સ દ્વારા અપસ્કિલિંગ અને રિસ્કિલિંગ કાર્યક્રમોનું આયોજન કરવાની જોગવાઈઓ પણ સામેલ છે, જે આ ક્ષેત્રોમાં સતત વ્યાવસાયિક વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે.
આ હસ્તાક્ષર સમારોહમાં કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી તરફથી પ્રોફેસર (ડૉ.) એસ.પી. સિંહ, ડાયરેક્ટર જનરલ, રેખા નાયર રજિસ્ટ્રાર, ડૉ. મનીષ ગુપ્તા, ડિરેક્ટર એકેડેમિક્સ, અને શ્રી પંકજ મિસ્ત્રી, ચીફ સ્કીલ કોઓર્ડિનેટર તથા FIND-JOBS જર્મનીના CEO શ્રી એલેક્ઝાન્ડર હૌસર અને ડૉ. સ્કીલ આઉટરીચ પ્રાઇવેટ લિમિટેડના CEO શ્રી સુધાંશુ જાંગિડ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત પ્રતિનિધિઓએ કૌશલ્ય વિકાસની આ પહેલને મજબૂત બનાવવા અને રાજ્યના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કારકિર્દી બનાવવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ સહયોગ વિદ્યાર્થીઓને વૈશ્વિક રોજગાર તકો સાથે જોડીને અને ઉદ્યોગ-સંબંધિત કુશળતાથી સજ્જ કરીને તેમના માટે નવા રસ્તા ખોલવાની અપેક્ષા રાખે છે.
આ વ્યૂહાત્મક ભાગીદારી સાથે, કૌશલ્યા – ધ સ્કીલ યુનિવર્સિટી કૌશલ્યની માંગને પહોંચી વળવા અને વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાની તાલીમ અને રોજગારની તકો સાથે સશક્ત બનાવવાના તેના મિશનને વધુ મજબૂત બનાવવા માટે પ્રગતિશીલ પગલાં લેવા સજ્જ છે.