(જી.એન.એસ) તા. 8
રાજકોટ,
પંજાબ ભાજપના પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ દેશની રાજધાની દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ એક મોટો દાવો કરતા કહ્યું હતું કે, દેશ અને મોટાભાગના રાજ્યોમાં ભાજપની સત્તા હોવા છતાં દિલ્હી સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન હતી, જે હવે દૂર થઈ ગઈ છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જવાની અસર પંજાબમાં પણ જોવા મળશે. તેમના મતે 2027માં પંજાબમાં પણ આપની સરકાર જશે અને દિલ્હીની જેમ ત્યાં પણ ભાજપની સરકાર બનશે.
પૂર્વ મુખ્યમંત્રીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે આ લોકો માત્ર સત્તાને ચોંટેલા હતા અને હવે સત્તા જતા રહેવાથી અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીને બચાવી નહીં શકે. તેમણે ઉમેર્યું કે જૂઠાણાં અને ફરેબની રાજનીતિ હવે નહીં ચાલે, જે દિલ્હીના પરિણામોથી સ્પષ્ટ થઈ ગયું છે.
રૂપાણીએ દિલ્હીની આપ સરકારને “દિલ્હીકા ઠગ” ગણાવતા કહ્યું કે જૂઠ્ઠા લોકોની સરકાર હવે જતી રહી છે. ઘણા લાંબા સમય બાદ ભાજપને દિલ્હીમાં સત્તા મળી હોવાનો ઉલ્લેખ કરતા તેમણે આ જીતને ઐતિહાસિક ગણાવી હતી.