મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ – 2025’નો રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો
.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે અમદાવાદ જિલ્લાના ધંધુકા, વિરમગામ, મીરોલી તથા જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે ગુજરાત રાજ્ય બીજ નિગમ લિ.ના ગોડાઉન કોમ્પલેક્ષનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘બેક ટુ બેઝિક’ના મંત્ર સાથે સ્વાસ્થ્યપ્રદ આહાર અને જીવન માટે શ્રીઅન્ન અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનને પરિણામે મિલેટ્સની વધેલી લોકપ્રિયતા તથા સંપૂર્ણ સપ્લાય ચેઈનના વિકાસ ઉપરાંત પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સરકારના આયોજન અંગે સૌને માહિતગાર કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની સાત મહાનગરપાલિકાઓમાં દ્વિ-દિવસીય ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025’ના સુચારુ આયોજન બદલ રાજ્યના કૃષિ વિભાગને અભિનંદન પાઠવતા સામુહિક પ્રયાસોથી આઝાદીનો અમૃતકાળ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીનો સુવર્ણકાળ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ મિલેટ મહોત્સવના ઉપલક્ષમાં આયોજિત પ્રદર્શનનું ઉદઘાટન કરી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકોના વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સની મુલાકાત લીધી હતી તેમજ તેમની સાથે સંવાદ સાધી રસપ્રદ જાણકારી મેળવી હતી.