મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે Transplantation Update – 2025 કોન્ફરન્સનો રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, વરિષ્ઠ ડૉકટરો તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલ ખાતે આજે શુભારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે પ્રત્યારોપણ અંગેના અત્યાધુનિક રોબોટના લોકાર્પણ તેમજ સોવેનિયરના વિમોચન ઉપરાંત ડૉ.રાકેશ જોશીને અંગદાનની પહેલને વેગ આપવા બદલ ઋષિ દધીચિ સન્માનથી તેમજ ડૉ.ડીટર બ્રોરિંગને મહર્ષિ સુશ્રુત જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા
.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિરાસત ભી, વિકાસ ભી’ મંત્રનો સંદર્ભ આપતાં જણાવ્યું હતું કે, આપણા પુરાણોમાં તમામ રોગોના ઉપાયો દર્શાવ્યા છે, જેને આજે નવી ટેક્નોલૉજીની મદદથી ઉજાગર કરવાનો સમય છે. તેમણે ટેકનોલૉજીના વધતા વ્યાપ અને પ્રભુત્વ વચ્ચે તેના ઉપયોગથી અંગ પ્રત્યારોપણ માટે નવાં કેન્દ્રો શરૂ કરવા સૂચન કર્યું હતું તેમજ અંગદાન અને અત્યાધુનિક મેડિકલ ટેકનોલોજીના સમન્વયથી માનવજીવનને બચાવવા માટે સરકાર તરફથી જરૂરી તમામ સહાય તથા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.