(જી.એન.એસ) તા૧૩
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં રાજ્ય સરકારે કર્યું હતું ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ફોટો કોમ્પિટિશનનું આયોજન. * MY GOV પ્લેટફોર્મ પર આયોજિત આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના અંદાજે ૭૪ હજાર પ્રતિસ્પર્ધીઓએ લીધો ભાગ. * વિજેતાઓને ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને સંવાદનો મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અભિગમ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘વિકાસ સપ્તાહ ક્વિઝ’ અને ‘વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન’ના વિજેતાઓને ગાંધીનગરમાં મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી અને શ્રી મનોજ દાસની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પુરસ્કૃત કર્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૭ ઓક્ટોબર, ૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યાર પછી ગુજરાતે સાધેલા સર્વાંગીણ વિકાસની યાત્રાને ૨૩ વર્ષ પૂર્ણ થવા અવસરે રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં ૭ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’નું આયોજન કર્યું હતું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં આ ઓનલાઈન કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. MY GOV પ્લેટફોર્મના સહયોગથી આયોજિત આ સ્પર્ધાઓમાં દેશના વિવિધ રાજ્યોમાંથી અંદાજે ૭૪ હજાર જેટલા પ્રતિસ્પર્ધીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં ૧૨ જેટલી ભાષાઓમાં ગુજરાતના વિકાસ, કલા અને સંસ્કૃતિ સહિતના વિષયોના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જ્યારે, ફોટો કોમ્પિટિશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો, આંતરમાળખાકીય વિકાસ, મહિલા સશક્તિકરણ સહિતના વિવિધ વિષયો પર સ્પર્ધાઓ યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ આ બંને સ્પર્ધામાં વિજેતા થયેલા યુવાઓને મુખ્યમંત્રી કાર્યાલયમાં આમંત્રિત કરીને તેમની સાથે પ્રત્યક્ષ મુલાકાત અને સંવાદ કર્યો હતો. એટલું જ નહિ તેમને પૂરસ્કૃત પણ કર્યા હતાં.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ સબંધિત વિવિધ વિષયો અંગે આ વિજેતા યુવાઓના અભિપ્રાય જાણ્યા હતા.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ નું વિઝન આપ્યું છે, તેમાં વિકસિત ગુજરાતના નિર્માણ થકી યથાસંભવ યોગદાન આપવાનું આહવાન મુખ્યમંત્રીશ્રીએ વિજેતાઓને કર્યું હતું. રાજ્ય અને દેશના વિકાસમાં સરકારની સાથે પૂરી ઊર્જાથી ખભેખભો મિલાવી પુરુષાર્થ કરવાનું પ્રેરક માર્ગદર્શન પણ આપ્યું હતું. માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણીએ વિકાસ સપ્તાહની ઉજવણી અંગેની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં પ્રત્યેક નાગરિક પૂરા ઉત્સાહથી જોડાય અને રાજ્યમાં વિકસિત ગુજરાતના નિર્માણ અંગે ઊર્જા અને ચેતનાનો સંચાર થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે પ્રતિવર્ષ ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો છે. વર્ષ ૨૦૨૪ માં થયેલી આ ઉજવણી અંતર્ગત, ભારત વિકાસ પ્રતિજ્ઞા, આઈકોનિક સ્થળોએ પદયાત્રા, જાહેર સ્થળોએ સુશોભન અને રોશની, સાંસ્કૃતિ કાર્યક્રમો, ટોક શૉ, રેડિયો પોડકાસ્ટ્સ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમજ, ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યા હતા તેની પણ વિસ્તૃત વિગતો માહિતી નિયામકશ્રી બચાણીએ આપી હતી.આ પ્રસંગે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીશ્રીઓ તેમજ વિજેતા પ્રતિસ્પર્ધીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.