નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા
3 વેપન અને 27 કારતુસ SMC દ્વારા કબજે કરવામાં આવ્યા
(જી.એન.એસ) તા. ૧૧
નવસારી,
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. SMC અને કુખ્યાત બિશ્નોઇ ગેંગ વચ્ચે ફાયરીંગની ઘટના બની છે. જેમાં એકને ગોળી વાગતા બીલીમોરા સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો છે. ત્રણની ધરપકડ SMC દ્વારા કરવામાં આવી છે. 3 વેપન અને 27 કારતુસ SMC દ્વારા કબજે કરવામાં આવ્યા છે. ચાર પૈકી એક મધ્યપ્રદેશ અને ત્રણ રાજસ્થાનના હોવાની માહિતી સામે આવી છે.
શહેરની હોટલમાં હથિયારોની ડિલિવરી કરવા આવેલા શખ્સોને પકડવા માટે ગયેલી પોલીસ ટીમ પર આ ખતરનાક બિશ્નોઇ ગેંગ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગેંગના સભ્યો દ્વારા ફાયરિંગ બાદ પોલીસે પણ સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન એક ગેંગના સભ્યના પગમાં ગોળી લાગી હતી.
પોલીસ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુપ્તચર માહિતી મુજબ રાજ્યભરમાં ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની હિલચાલની બાતમી મળી હતી. આ કાર્યવાહી DIG નિર્લિપ્ત રાય અને સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયુર ચાવડાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
મીડિયા સુત્રો મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, શાર્પશૂટર ગેંગના સભ્યો હથિયારોની આપ-લે કરવા માટે બીલીમોરાના ગણદેવીના એક મંદિરના પાર્કિંગમાં એકઠા થયા છે. જે માહિતીના આધારે SMC ટીમ એક ખાનગી વાહનમાં ત્યાં પહોંચી હતી. જ્યાં પાર્કિંગમાં ચાર લોકો જોવા મળ્યા હતા. ટીમ નજીક આવતા જ શંકાસ્પદોએ પોલીસ વાહન પર કથિત રીતે બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. ત્યારે સ્વ-બચાવમાં ઇન્સ્પેક્ટર પનારાએ તેમની સર્વિસ-ઇશ્યુ કરેલ ગ્લોક પિસ્તોલમાંથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાંથી એક ગોળી આરોપી હરિયાણાના યશ સિંહ સુંદર સિંહના પગમાં વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય ચાર આરોપીઓને પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જ ઝડપી પાડ્યા હતા.
ચાર આરોપીની ધરપકડ

ધરપકડ કરાયેલા લોકોની ઓળખ આ રીતે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચારેય આરોપીઓનો ભૂતકાળનો ગુનાહિત રેકોર્ડ છે, જેમની સામે BNS, NDPS એક્ટ, આર્મ્સ એક્ટ અને હત્યા, ખંડણી અને હુમલો સહિતના ગુનાઓ હેઠળ કેસ નોંધાયેલા છે. હાલમાં ચાર પૈકી એક આરોપી રિષભ શર્માએ જબલપુરમાં ગોળી મારીને એક વ્યક્તિની હત્યા કરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અન્ય ત્રણ આરોપીઓ યશસિંઘ, મનિષ કુમાવત અને મદન કુમાવતનો પોલીસ રેકૉર્ડ તપાસી રહ્યાં છે.
1. યશસિંહ સુંદરસિંહ, હરિયાણાના રહેવાસી
2. ઋષભ અશોક શર્મા, મધ્યપ્રદેશના રહેવાસી
3. મનીષ કાલુરામ કુમાવત, રાજસ્થાનના રહેવાસી (હાલમાં ગણદેવી, નવસારીમાં રહે છે)
4. મદન ગોપીરામ કુમાવત, રાજસ્થાનના રહેવાસી
આ મામલે અધિકારીઓ જણાવ્યું કે, ઝડપાયેલા ઈસમો પાસેથી ત્રણ દેશી બનાવટની પિસ્તોલ અને 27 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પરિસ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી છે અને હાલમાં સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. FIR નોંધાયા બાદ આરોપીઓ અને એન્કાઉન્ટર તરફ દોરી ગયેલા સંજોગો અંગેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.


