



પાટણ શહેરમાં શિયાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
રાજ્યમાં એક બાજુ ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે, જેને પગલે પાટણના સિદ્ધપુર સહિતના પથંકમાં રાત્રે માવઠું પડ્યું હતું, જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પાટણમાં શનિવારે રાત્રે કેટલાક યુવાનો ઠંડીને લઇ તાપણું કરતા હતા ત્યારે ઝરમર વરસાદ વરસવાનું શરૂ થયો હતો.
પાટણ શહેર સહિત પંથકમાં વરસાદ વરસવાનું શરૂ થતાં ખેડૂતોએ કરેલા વાવેતર જીરૂં, ઘઉં, રાયડો, ચણા જેવાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ હતી. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તો બીજી તરફ હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે જેના પરિવારમાં લગ્ન છે તેવા પરિવાર પણ ચિંતામાં મુકાયા હતા. રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા વીજળી પણ ડૂલ થઈ હતી.