ભાજપે 2024ની લોકસભા ચૂંટણી અને 2023માં 9 વિધાનસભાની ચૂંટણીની તૈયારીનું બ્યુગલ ફૂકી દીધું છે. એજન્ડા તૈયાર થઈ રહ્યો છે. કાર્યકર્તાઓને ટાર્ગેટ આપવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે દિલ્હીમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજે બીજો દિવસ છે. થોડા સમય બાદ કારોબારીની બેઠક ફરી શરૂ થશે. તમામની નજર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર છે, જેઓ સમાપન ભાષણમાં આવનારી ચૂંટણીમાં જીતની ફોર્મ્યુલા આપશે. આજની બેઠકમાં આર્થિક દરખાસ્ત લાવવામાં આવશે અને જેપી નડ્ડાની ફરીથી પાર્ટીના અધ્યક્ષ તરીકેની નિમણૂક માટે મંજૂરીનો મહોર લગાવવામાં આવી શકે છે.
પ્રથમ દિવસે રાજકીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો
ગઈકાલે સોમવારે બેઠકના પ્રથમ દિવસે રાજકીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાનના વિઝન અને વૈશ્વિક સ્તરે તેમની સફળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આવનારી તમામ ચૂંટણીઓમાં જીત મેળવવાની છે. સાથે જ બેઠકમાં એ વિશે પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે વિપક્ષ કઈ રીતે વડાપ્રધાન મોદી વિરુદ્ધ નકારાત્મક અભિયાન ચલાવી રહ્યું છે. તેમના પર કેટલા ખોટા આરોપો લગાવવામાં આવે છે, પરંતુ વડાપ્રધાન પરના દરેક જુઠ્ઠાણાનો પર્દાફાશ થાય છે અને દેશની સૌથી મોટી કોર્ટ પણ તેમના દરેક કામ પર પોતાની મહોર લગાવે છે. કાર્યકારિણી બેઠક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નાનકડો રોડ શો કર્યો હતો, જેમાં તેમના પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક સોમવારે દિલ્હીમાં NDMCના કન્વેન્શન સેન્ટરમાં શરૂ થઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત લગભગ પક્ષના 350 વરિષ્ઠ નેતાઓ આ કાર્યકારિણીમાં સામેલ થયા છે. જેમાં 12 મુખ્યમંત્રી અને 5 નાયબ મુખ્યમંત્રી અને 35 કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે.