ગુરુવારે રશિયા તરફથી યૂક્રેન પર 100થી વધુ મિસાઈલોના હુમલા વચ્ચે ભારત માટે પણ ત્યાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. રશિયાના કબજા હેઠળના ક્રીમિયામાં મેડિસિનનો અભ્યાસ કરી રહેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓનું કાર અકસ્માતમાં મોત થયું છે. આ વિદ્યાર્થીઓ ગુરુવારે ક્રીમિયાના સિમ્ફેરોપોલમાં કાર દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. દરમિયાન અચાનક કાબુ ગુમાવવાને કારણે તેમની કાર તેજ ગતિએ રોડની બાજુના ઝાડ સાથે અથડાઈ હતી. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મંત્રાલયે પોલીસને આ ગંભીર અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો
રશિયાની સત્તાવાર સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર, મૃત્યુ પામેલા ચાર ભારતીય વિદ્યાર્થીઓમાંથી બે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા, જ્યારે બે ચોથા વર્ષના વિદ્યાર્થીઓ હતા. પ્રાથમિક માહિતી મુજબ આ ચારેય જણા રેનો લોગાન કારમાં સેન્ટ સિમ્ફેરોપોલની સેર્ગીવ-ટેન્સકી સ્ટ્રીટ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનો અકસ્માત થયો હતો.
એજન્સી અનુસાર, ક્રીમિયા પ્રજાસત્તાકના આંતરિક મંત્રાલયે પોલીસને આ ગંભીર અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. તપાસમાં ડ્રાઈવરે કાર પરથી કાબુ ગુમાવવા પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.