કહેવાય છે કે પ્રેમ છૂપાવે છુંપ્તો નથી તેવો જ એક બનાવ સામે આવ્યો છે. રાજકોટનાં ધોરાજીમાં એક એપાર્ટમેન્ટમાં ઉપર નીચે રહેતા યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો પરંતુ આ પ્રેમ પ્રકરણની જાણ યુવતીના ભાઈને થતાં ભાઇએ ઠંડા કલેજે છરીના ઘા ઝીંકી બહેનને મોતને ઘટ ઉતરી. વિગતો મુજબ ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા એક એપાર્ટમેન્ટમાં ફ્લેટમાં રહેતા રઝાકભાઇ સપરિયાણીની 14 વર્ષની દીકરી યાસ્મીન ઉર્ફે રોજીનાને તેમના જ એપાર્ટમેન્ટમાં ઉપરના ફ્લેટમાં રહેતા ફૈજાન સાથે સંબંધ બંધાયો હતો અને આ જાણ યાસ્મીનના ભાઇ ફીરોઝ (ઉ.વ.21)ને થઇ હતી અને તેને બહેનનો ફૈજાન સાથેનો સંબંધ કોઇ કાળે મંજૂર ન હતો.આથી બન્ને ભાઇ બહેન વચ્ચે આ મુદ્દે ક્યારેક ટપાટપી થઇ જતી અને માતા પિતા બન્નેને સમજાવી દેતાં પરંતુ મંગળવારે ફીરોઝના મન પર કાળ સવાર થયો હતો અને તેણે યાસ્મીનને છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા. ડાબા પડખામાં થયેલા વાર જીવલેણ નીવડ્યા હતા અને યાસ્મીન ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. આ જોઇ માતા પિતા હતપ્રભ બની ગયા હતા અને નજીકમાં રહેતા સગાની મદદ લઇ યાસ્મીનને સિવિલ હોસ્પિટલે પહોંચાડી હતી.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.પોલીસે ગણતરીની કલાકોમાં ફીરોઝની ધરપકડ કરી હતી.
