જામનગર ની લાંચ રૂશ્વત વિરોધી શાખાને વધુ એક લાંચિયા પોલીસ કર્મીને પકડી પાડવા માટેની મહત્વની સફળતા સાંપડી છે, એક સફળ દરોડો પાડી ખોડીયાર કોલોની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એક પોલીસ હેડ કોન્સ્ટેબલને દારૂના ધંધાર્થી સામે નાનો કેસ કરવાના ભાગરૂપે રૂપિયા 23,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો છે. જેની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. એસીબીની આ સફળ ટ્રેપ અંગેની વિગત એવી છે કે, જામનગરમાં ખોડીયાર કોલોની પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી રતનગીરી ગોસ્વામી કે જેણે એક દારૂના ધંધાર્થી ને હનુમાન ટેકરી વિસ્તારમાં બોલાવી તેની સામે દારૂનો કેસ કરવાની કાર્યવાહી કરતાં પોતાને દારૂના કેસમાં હેરાન નહીં કરવા માટે પોલીસને વિનંતી કરી હતી. દરમિયાન જો મોટો કેસ ન કરવો હોય, અથવા તો નાનો કેસ કરવો હોય તો 40,000 રૂપિયા આપવા પડશે. તેવી પોલીસ જમાદાર દ્વારા માંગણી કરવામાં આવી હતી. આખરે બંને વચ્ચે રકઝક થયા પછી 23 હજાર રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. જે લાંચની રકમ આપવી ન હોવાથી અરજદાર દ્વારા જામનગર એસીબી નો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી તેની ફરિયાદના આધારે આજે બપોરે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પોલિસ હેડ કોન્સ્ટેબલ કેતનગીરી ગોસ્વામી રૂપિયા 23 હજારની લાંચ લેતાં એસીબી જામનગરની ટીમના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. જેની અટકાયત કરી લઇ, એ.સી.બી.ની કચેરીએ લઈ જવામાં આવ્યા છે, અને તેની સામે લાંચ લેવા અંગેની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ટ્રેપને લઈને જામનગરના પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
