મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને આપેલી મંજૂરી માટે સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો છે. મહેસાણાની તારંગા ટેકરી પર સ્થિત પ્રસિદ્ધ અજીતનાથ જૈન તીર્થસ્થળ, સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અને આબુ રોડ જતા તીર્થયાત્રીઓ કે પ્રવાસીઓને આ રેલવે પરિયોજનાથી સીધો ફાયદો થશે તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ, અંબાજી અને આબુરોડ રેલ પરિયોજનાને મંજૂરી આપી છે તેની જાહેરાત કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કરી હતી.
આ સુચિત ૧૧૬.૬૫ કિ.મી. લાંબી રેલવે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. એટલું જ નહિ, નવી રેલ પરિયોજના તૈયાર થતાં અમદાવાદ આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે. અંદાજે રૂ. ૨૭૯૮.૧૬ કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલવે પરિયોજના ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૨૪ પવિત્ર જૈન તીર્થંકરોમાંના એક એવા શ્રી અજીતનાથજીના મંદિરની મુલાકાતે વર્ષે લાખો શ્રાવકો આવે છે. ૫૧ શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ અંબાજી તીર્થ ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નો શુભારંભ કરાવ્યો છે. આ રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે.